ગરમીની લીધે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ભોગવાદ અને સ્વાર્થ પરાયણતાની ગરમીથી વાતાવરણ તપી ગયું હોય, ભોગ, ભીતિ અને ભૂખથી ખરડાયેલી ભક્તિના તણખા ઝરતા હોય, આ ધરતી અંધશ્રદ્ધા, વહેમ અને ઈશ્વર વિષેના ભ્રાંત વિચારોથી ત્રાહિત થઈ ગઈ હોય ત્યારે જગતમાં શાંતિ અને તૃપ્તિદાયક શીતળ વિચારોની ઠંડક કરવા માટે અને વ્યક્તિ ધર્મ, કુટુંબ ધર્મ અને જીવન ધર્મ સમજાવવા, જીવન રસથી ભણેલા એક અસામાન્ય અને પવિત્ર અવતારી શક્તિ, સામાન્ય માનવ જેવી બનીને બપોરે બાર વાગે આ પૃથ્વી ઉપર જે દિવસે પધારી તે દિવસને આ રાષ્ટ્ર રામ નવમી તરીકે ઉજવે છે. અને તેમના જીવનમાંથી ઉત્સાહ, સ્ફૂર્તિ અને પવિત્ર પ્રેરણા મેળવી પોતાનું જીવન ઘડતર કરે છે.
માત્ર ભારત જ નહીં, દરેક માનવતાવાદી વ્યક્તિ રામચંદ્રજીનો જન્મોત્સવ હોંશ અને ઉમંગભેર ઉજવે છે. ઇન્ડોનેશિયા જેવા દેશમાં ઘેર ઘેર રામાયણનું અધ્યયન થાય છે…
માનવજાત રામ બનવાનું ધ્યેય અને આદર્શ રાખે એટલા માટે જ મહર્ષિ વાલ્મિકીએ રામ ચરિત્રનું ચિત્રણ કર્યું છે. કૌટુંબિક જીવનમાં સદ્ગુણોની ટોચ અને તેનું જીવન નિદર્શન એટલે રામ. રામનું જીવન માત્ર કથા સાંભળવા માટે જ નથી. રામના ગુણો આત્મસાત કરવા માટે છે. રાજ્યગાદી પડાવી લેવા માટે બાપ-દીકરા વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે ઝગડાઓનો ઈતિહાસ લોહીથી ખરડાયેલો છે. જમીન અને મિલ્કત વચ્ચેના ઝઘડામાં દીકરો બાપને, ભાઈ ભાઈને મારી નાખે, એ ઘટનાઓ તો હજી આજેય ચાલુ છે.
ભરત અને રામ વચ્ચે પણ ગાદી માટે ઝગડો થયો જ હતો. જો કે અહીં એ ઝગડો અલગ જ પ્રકારનો હતો. લોકો આજે પણ તેને યાદ કરીને તેની દિવ્યતા અનુભવે છે. ભરત કહે છે “પિતાની આજ્ઞા અધાર્મિક અને અશાસ્ત્રીય છે, ગાદી ઉપર તમે-જ બેસો.” રામ કહે છે “પિતાની ઈચ્છા માથે ચડાવીને હું વનવાસ જ સ્વીકારીશ.” કેટલો મોટો ત્યાગ ? કેટલી નિસ્પૃહતા ? આવી સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા બીજે ક્યાં જોવા મળશે ?
રામ એ ભારતીય સંસ્કૃતિનું ઉચ્ચત્તમ શ્રદ્ધા કેન્દ્ર છે, ભારતના લોકો માટે રામ, એ ફક્ત અક્ષરો નથી પણ આસ્થા છે…
રાજ્યાભિષેકની વાત હોય કે થોડીવાર પછી વનવાસ સ્વીકારવાની વાત આવે, પણ રામના ચહેરા ઉપરના ભાવમાં કોઈ ફરક પડતો નથી. આજે જ્યારે કુટુંબ જીવન છિન્ન ભિન્ન થઈ ગયું છે. વ્યક્તિવાદ અને ભોગવાદે સમાજને ઘેરી લીધો છે ત્યારે રામકાલીન કુટુંબ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા ફરી ઊભી કરવાની ઝંખના સમાજના મોભીઓ સેવે છે ખરા ? રામ આપણા સૌની સામે ઘણા કૌટુંબિક આદર્શો મૂકી ગયા છે. રામને ત્રણ ભાઈઓ હતા. છતાં તેઓની વચ્ચે ક્યારેય વિવાદ કે મન દુઃખ થયાં નથી. એનું કારણ ત્યાગમાં આગળ અને ભોગમાં પાછળ એ તેમનો જીવન મંત્ર હતો. લોકોતર મિત્ર તો ખરા જ પણ લોકોતર શત્રુ પણ રામ જ.
રામ સુગ્રીવની મૈત્રી આદર્શ હતી. સુગ્રીવ પર રામનો અનહદ પ્રેમ હતો. સુગ્રીવને મૈત્રી આદર્શ હતી. સુગ્રીવ પર રામનો અનહદ પ્રેમ હતો. સુગ્રીવને વિપતિમાં આવેલો જોતાં રામની આંખમાં આંસુ ઉભરાતા. રામ જ્યારે સરયૂમાં પ્રવેશ કરે છે ત્યારે તે જાણી સુગ્રીવ પણ રામ સાથે સરયૂ પ્રવેશ કરે છે. વિચાર શક્તિ કુંઠિત થઈ જાય તેવો અલૌકિક મૈત્રીનો આ ભાવાત્મક પ્રસંગ છે.
રાવણમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, શૌર્ય, વિદ્વતા, સમૃદ્ધિ, રૂપ બધું હતું. પરંતુ તે શક્તિને કદી સત્કાર્યમાં વાપરતો નહીં, કમનસીબી અને દુઃખ એ વાતનું છે કે અવતારોને આપણે માત્ર પૂજનીય જ બનાવી દીધાં…
રામને સીતા ઉપર અનહદ પ્રેમ હતો. “રામે સીતાનો ત્યાગ કર્યો અને સીતાને ભારોભાર અન્યાય કર્યો” આવી ચર્ચા પોતાને બુદ્ધિશાળી માનતા લોકો વ્યર્થ રીતે કરતા જોઈને ભારોભાર વ્યથા થાય છે. જે બુદ્ધિનો ઉપયોગ ધન કમાવવામાં, ધંધામાં કે વ્યવહાર સાચવવા માટે કરીએ છીએ પણ તે બુધ્ધિની જ બાદબાકી કરીને આપણે આપણા ધર્મ ગ્રંથોનો અને ચરિત્રોનો અભ્યાસ કરીએ છીએ ? રામ રાજા હતા. અને રાજા તરીકે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવો એ મહત્ત્વની બાબત હતી. રામને સીતાના નિષ્કલંક ચારિત્ર્ય માટે સંપૂર્ણ વિશ્વાસ હતો જ, છતાં સત્તાના આસન પર બેસનારે પ્રજાજનોની શંકાથી પર રહેવું જોઈએ. આમ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો પણ રાજા તરીકે રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે, નહિ કે પતિએ પત્નીનો ત્યાગ કર્યો છે.
“રામના હૃદયમાં માત્ર એક જ સ્ત્રીને સ્થાન છે અને તે એટલે સીતા.”
રામ વનમાં શા માટે ગયા હતા ? તે કાળનો અભ્યાસ કરીશું તો જણાશે કે બે મોટા માનવપૂંજો હતા. એક રાક્ષસોનો સમૂહ અને બીજો વાનરોનો. સંસ્કૃતિનો વાનર પૂંજ એટલે માનવો. એ લોકો માનવો ખરા પણ વાનરની જેમ જીવવાવાળો સમૂહ. કાંઈ પૂછડીવાળા વાનર ન હતા. રાક્ષસ સમૂહમાં ભૌતિકવાહને સ્થાન હતું. વાનર સમૂહ પાસે ટોચનું વિજ્ઞાન જ્ઞાન હતું. તેમની શક્તિનો પ્રયોગ રામાયણમાં વાંચવા મળે છે. રાક્ષસી વિચારવાળા માનવ સમૂહો પાસે મોટું સૈન્ય બળ હતું. તેમની શક્તિ ભોગો માટે જ વપરાતી હતી. ઋષિઓ ઈશ્વરીય વિચારો સમાજમાં લઈ જવા, સામાજિક જાગૃતિ લાવવા જે કરતા તેને યજ્ઞ કહેવાય.
યજ્ઞ એટલે દેવપૂજા, સંગતિકરણ, મૈત્રીકરણની ભાવનાઓ – વિચારોનું સમાજિકીકરણ કરવું એટલે કે સમાજમાં વહેતા કરવા. લોકોમાં જાગૃતિ આવે તો રાક્ષસોનું શાસન ચાલે નહીં. તેથી રાવણના રાક્ષસો જંગલમાં ચાલતા આવા સાંસ્કૃતિક વિચાર – યજ્ઞોનો નાશ કરી, ઋષિઓને જનસ્થાનમાંથી હટાવતા હતા. આ બધું બતાવવા અને સમજાવવા જ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને વનમાં લઈ ગયા હતા.
પરમ પૂજનીય દાદાજી સમજાવે છે કે ત્રિકાળ સંધ્યા દ્વારા ઘેર ઘેર ઝૂંપડે ઝૂંપડે માનવ-માનવમાં રામ લઈ જઈએ. એટલે કે જીવંત ચૈતન્ય લઈ જાઓ તો જ માનવમાં આત્મવિશ્વાસ આવશે, ખુમારી આવશે. તે દીન, હીન, દૂબળો કે લાચાર નહીં બને.
વિશ્વામિત્ર કહેતા કે “રામ વનમાં જશે તો જ આર્ય સંસ્કૃતિ ઊભી થશે.” બુધ્ધિને નેવે મૂકીને આપણા પ્રાચીન ગ્રંથો વાંચીએ છીએ તે ક્યારે અટકશે ? વિશ્વામિત્ર દશરથ રાજા પાસે યજ્ઞોના રક્ષણ માટે રામ લક્ષ્મણને માગે છે. તેનું રહસ્ય શું છે ? તે આપણે સમજવું જ નથી ? યજ્ઞના રક્ષણ માટે સૈન્ય માગવાનું હોય કે ૧૫-૧૬ વર્ષના તરુણો ? ખરેખર તો ઋષિ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને વનમાં ભણાવવા માટે લઈ જવાને બહાને તેમની સાથે વનમાં લઈ ગયા હતા.
સાંસ્કૃતિક કાર્ય માટેનો જ પડકાર હતો તેનું મહત્ત્વ સમજાવવા અને પોતાને ભવિષ્યમાં ક્યું સાંસ્કૃતિક કાર્ય કરવાનું છે ? તેની દ્રષ્ટિ આપવા વનમાં લઈ જઈસાત્વિક લોકોનાં હાડકાંના ઢગલા બતાવવા હતા. રામના રાજ્યાભિષેક પહેલાં, શ્રી રામ અને નારદજીની મુલાકાત થાય છે. ત્યારે નારદજી રામને કહે છે કે “તમે અયોધ્યામાં રહીને પાંચ પચાસ લોકોને સુસંસ્કૃત બનાવશો પણ રાવણને ખલાસ કરવા તમારે વનમાં જવું જ પડશે.
દૈવી કાર્ય માટે દોડતા રહેલ પરંતુ લઘુમતીમાં આવી ગયેલા સાત્વિકોને પીઠબળ આપવા માટે તમારે વનમાં જવું જ પડશે. પછી તેની નિમિત કૈકેયી અને મંથરા બની. શક્ય છે કે વિશિષ્ટ અને કૈકેયીએ ભેગા મળીને આ યોજના કરી હોય. આ આખીય ઐતિહાસિક ઘટના બુદ્ધિ ચલાવીને સમજવા જેવી છે.
રામ નવમીના પવિત્ર દિવસે રામના જીવનનો વિચાર કરીએ તેમના ગુણો જીવનમાં લાવવા આત્મનિરીક્ષણ કરીએ !! પરમ પૂજનીય દાદાજી સમજાવે છે કે ત્રિકાળ સંધ્યા દ્વારા ઘેર ઘેર ઝૂંપડે ઝૂંપડે માનવ-માનવમાં રામ લઈ જઈએ. એટલે કે જીવંત ચૈતન્ય લઈ જાઓ તો જ માનવમાં આત્મવિશ્વાસ આવશે, ખુમારી આવશે. તે દીન, હીન, દૂબળો કે લાચાર નહીં બને. ગમે તેવાના પગ પકડવાનો વિચાર પણ નહીં કરે. આવા કાર્યમાં નિમિત બનવું એ જ રામ નવમીની સાચી ઉજવણી ગણાય.”
પ્રાસંગિક : કિશોર મહેતા
Other Article : क्या है नववर्ष तिथि चैत्र शुक्ल प्रतिपदा ? सूर्योदय के समय ब्रह्माजी ने जगत की रचना की थी ।