એક વર્ષ પહેલાં આતંક મચાવનાર કોરોના રિટર્ન…!!
મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડ અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરેક પ્રકારના ઉપાયો છતાં ઘણા રાજ્યોમાં સ્થિતિ નિયંત્રણની બહાર થતી જોવા મળી રહી છે. દેશમાં લગભગ દોઢ મહિના બાદ એક દિવસાં ૨૪ હજારથી વધુ કેસ સામે આવ્યા. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડ અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં પણ નવા કેસોની સંખ્યા વધી રહી છે. પંજાબમાં ફરી એક વાર સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં ઔરંગાબાદ, નાગપુર, પરભણી અને પુણેમાં ફરી વાર લોકડાઉન લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ઔરંગાબાદમાં કોરોનાના વધતાં કેસોને જોતાં વીકેન્ડ પર સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. નાગપુરમાં ૧૫થી ૨૧ માર્ચ સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન ખાનગી ઓફિસ બંધ રહેશે અને સરકારી ઓફિસ ૨૫ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રહેશે. લોકડાઉન પહેલાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
પંજાબમાં રાજ્ય સરકારે ફરી સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ૧૩ માર્ચથી આ આદેશ લાગુ પડશે. આ દરમિયાન ૧૨માં ધોરણ સુધીની તમામ સ્કૂલો બંધ રહેશે. બીજી બાજુ, લુધિયાણા પટિયાલા, મોહાલી અને ફતેહગઢ સાહિબ સહિત આઠ જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
બીજી બાજુ, દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૧ કેસ નોંધાયા હતા. શુક્રવારે દિલ્હીમાં દક્ષિણ આફ્રીકી કોરોના વાયરસ સ્ટ્રેનનો શંકાસ્પદ દર્દી સામે આવ્યો હતો. કેરળનો રહેવાસી આ દર્દી બુધવારે દક્ષિણ આફ્રીકાથી આવ્યો હતો. જ્યારે નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.