Charotar Sandesh
ગુજરાત

સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગરના આકાશમાં તીડ દેખાતા ખેડૂતોમાં વધી ચિંતા…

સુરેન્દ્રનગર : કોરોના વચ્ચે ગુજરાતના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવીને ઉભુ રહ્યું છે. રણ વિસ્તારમાંથી તીડના ઝુંડે આક્રમણ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી આવી ચઢેલા તીડોએ ખેડૂતો પર ત્રાસ મચાવી દીધો છે. એક તરફ, કોરોનાને કારણે ખેડૂતોને ખેતકામ માટે મજૂરો મળી નથી રહ્યા, ત્યાં હવે ખેડૂતો તીડ ભગાવવાની કામગીરીમાં લાગી ગયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા બાદ હવે તીડોએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સ્થાન જમાવ્યું છે. સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબીમાં તીડના ઝુંડ પહોંચી ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તીડ પહોંચી ગયા છે. અહીં લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાં અસંખ્ય તીડનું ટોળુ આકાશમાં ફરી રહ્યું છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. લીંબડી તાલુકાના શિયાણીમાં તીડ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તો લોકો સીમમાં થાળી વગાડીને બુમો પાડી તીડ ઉડાડી રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નસીતપુર અને મોતીધરાઈ ગામે તીડ ત્રાટકયા છે.

વાડીઓમાં તીડનું ટોળું આવી ચઢતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. રાત્રિના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું હતું. જેથી ખેડૂતો પર મુસીબતોના વાદળ મંડરાયા છે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સાતેક ગામમાં તીડના ઝુંડ દેખાયા છે. નવા ઇશનપુર, રણમલપુર, ધણાદ, માલણીયાદ, જુના ઇશનપુર ગામમાં તીડનો આતંક જોવા મળ્યો છે. તીડને કારણે તલ સહિતના અનેક પાકમાં ખેડુતોને નુકશાન થયા તેવી દહેશત સતાવી રહી છે. ત્યારે આ જાણ થતા જ ખેતીવાડી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડ્યા હતા અને તીડનો નાશ કરવા માટે રાત્રિ દરમ્યાન દવાનો છંટકાવ કરવા માટેનું તંત્રએ આયોજન કર્યું છે. તીડની એન્ટ્રી સૌથી પહેલા બનાસકાંઠામાં થઈ હતી. બનાસકાંઠાના અનેક સરહદી વિસ્તારોમાં તીડોએ બે દિવસથી આક્રમણ કર્યું છે. કોરોના વચ્ચે દિયોદર પંથકમાં વધુ એક આફત આવી પહોંચી છે.

દિયોદરના પાલડી અને ખાણોદર ગામની સીમમાં તીડના ઝૂંડ જોવા મળ્યા હતા. સરહદી વિસ્તાર થરાદ પંથકમાં ગઈકાલે તીડના ઝુંડ આવી પહોંચ્યા હતા. થરાદના ખારાખોડા,દિપડા અને ચોટપા ગામની સીમમાં તીડે રાત્રિ રોકાણ કરી તહેલકો મચાવ્યો હતો. થરાદ ખેતીવાડી વિભાગની ટીમ તાત્કાલિક ખારાખોડા ગામે પહોંચી હતી. તીડ ઉપર દવા છંટકાવની કામગીરી કરાઈ હતી. તો સાબરકાંઠા પોશીના તાલુકાના ઝીઝણાતમાં તીડનો આતંક જોવા મળ્યો હતો. રાજસ્થાનની સરહદથી તીડોના ઝુંડે જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. લાખોની તાદતમાં ગુજરાતની સરહદમાં તીડ આવ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રા ખેડૂતો ચિંતિત બન્યા છે, અને ઢોલ થાળી વગાડી તીડ ઉડાડી રહ્યાં છે.

Related posts

રાજ્યના ૨૫ જિલ્લામાં મેઘ મહેર યથાવત, ૯૭ તાલુકામાં સાત ઇંચ સુધીનો વરસાદ

Charotar Sandesh

પાવાગઢ મંદિરમાં હિંમતનગરના ભક્તે ૧.૨૫ કિલોનું સોનાનું છત્ર દાન કર્યું

Charotar Sandesh

અંબાજી અકસ્માત : મૃતકોના પરિવારને રૂ. ૧૦ લાખની સહાય કરવા અમિત ચાવડાની માંગ…

Charotar Sandesh