મુંબઈ : અજય દેવગને પોતાનો નવો પ્રોજેક્ટ જાહેર કર્યો છે. અજય સાઉથની સુપરહિટ ફિલ્મ નંદીના હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં આવી હતી અને તે ત્યાંના મોટા નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર દિલ રાજુ દ્વારા બનાવવામાં આવી હતી. દિલ રાજુએ તાજેતરમાં જ ફિલ્મ ’વકીલ સાહબ’ પણ બનાવી હતી. જે અમિતાભ બચ્ચનની હિન્દી ફિલ્મ ’પિંક’ની રીમેક હતી. સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે આ ફિલ્મમાં કામ કર્યું હતું.
ફિલ્મ નંદીમાં તેલુગુ સિનેમાનાં સ્ટાર અલ્લારી નરેશે ધમાકેદાર અભિનય કર્યો છે. આ ફિલ્મ એક એવા માણસની વાર્તા છે જેના પર જેલમાં ઘણાં અત્યાચાર થાય છે અને પછી તે કેવી રીતે પોતાનું યુદ્ધ પોતે લડે છે. અજય દેવગનને આ ફિલ્મ એટલી ગમી ગઈ છે કે તેમણે આના હિન્દીમાં રિમેકના રાઇટ્સ ખરીદ્યા છે અને હવે તે આને ૨૦૨૧ માં રિલીઝ થવાની તૈયારી કરી રહ્યા છે.
અજય દેવગન સાથે આમાં, દિલ રાજુ, કુલદીપ રાઠોડ અને પરાગ દેસાઇ પણ પ્રોડ્યુસર હશે. પરાગ દેસાઈ અજય દેવગણના પબ્લિસિસ્ટ છે અને તેઓ તેમની સાથે લગભગ એક દાયકાથી કામ કરી રહ્યા છે.
અજય દેવગનની ફિલ્મ મેદાનનું શૂટિંગ હજી થોડું બાકી છે. મુંબઇમાં આવેલ તાઉ તે વાવાઝોડાને કારણે તેના સેટને ખરાબ રીતે નુકસાન થયું હતું. જેના કારણે આ સેટ ફરી ચર્ચામાં આવ્યો હતો. અજયની આ ફિલ્મને બોની કપૂર નિર્માણ કરી રહ્યા છે.
આ સિવાય અજયની ફિલ્મ ભુજ પણ રિલીઝ માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મનાં નિર્માતાઓએ ૧૧૨ કરોડમાં ઓટીટી ડિઝની હોટસ્ટારને વેચી છે, પરંતુ તેની રિલીઝ તારીખ વિશે હાલમાં કોઈ માહિતી બહાર આવી નથી.
ફિલ્મનું બજેટ આશરે ૮૦ કરોડ જેટલું છે. અજય દેવગન આ સિવાય ઓટીટી પર પણ ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે અને આ પ્રોજેક્ટનું નામ રૂદ્ર રાખવામાં આવ્યું છે. અજયે તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અજય દેવગન અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મ મેડે પણ કરી રહ્યા છે. જેના દિગ્દર્શક તેઓ પોતે જ છે. આ લાઇનઅપને જોતા ખબર પડે છે કે તે અક્ષય કુમાર પછીના વ્યસ્ત સ્ટાર્સમાંનો એક છે. જે સતત તેમના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.