Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી સળગતું રહ્યું અને સરકાર મૂકદર્શક બની જોતી રહી : કોંગ્રેસ

દિલ્હી હિંસા મુદ્દે કોંગ્રેસ પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રપતિને કહ્યું મોદી સરકારને રાજધર્મ યાદ અપાવો

ન્યુ દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે બીજા દિવસે પણ ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યુ હતું.
દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્તાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે.
દિલ્હીમાં થયેલા રમખાણોને લઈને કોંગ્રેસ નેતાઓએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના કાર્યકારી સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિને દિલ્હીની હિંસા અંગે મેમોરેંડમ સોંપ્યુ હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કેન્દ્રની મોદી સરકાર દિલ્હીમાં ફેલાયેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે.
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જણાવ્યુ કે, સરકારે હિંસા સામે આંખ આડા કાન કર્યા છે. દિલ્હી અને કેન્દ્રની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે. જેથી હિંસા મામલે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે. દિલ્હી હિંસામાં ૩૪ લોકોનાં મોત થયાં છે.
સોનિયા ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ મૂક્યો હતો કે, તેઓ સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છે. તેમણે ફરી એકવાર અમિત શાહના રાજીનામાની માગ કરી છે. અગાઉ ગઈ કાલે પણ સોનિયા ગાંધીએ શાહનું રાજીનામું માંગ્યુ હતું. આમ સતત બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષાએ કેન્દ્રીય ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યુ હતું.

Related posts

અનંતનાગમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા…

Charotar Sandesh

દેશમાં હાર્ટ એટેકથી દર મિનિટે ૪ વ્યક્તિ શિકાર બને છે

Charotar Sandesh

રેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ સોલ્વ કરનારી IPS છાયા શર્મા USમાં સન્માનિત

Charotar Sandesh