Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદ તાલુકાના સુંદરણા ગામનાં વાજબી ભાવનાં દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરાયો…

  • દુકાનદાર પાસેથી રૂા.૭૧ હજારનો દંડ વસુલ કરાયો…

આણંદ : સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીને કારણે સમગ્ર ભારત અને ગુજરાતમાં તેની અસર થઈ હતી. જેના કારણે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા લોકડાઉનને અમલી બનાવ્યું હતું. આ લોકડાઉનમાં જરૂરીયાતમંદ લોકોને આવશ્યક ચીજવસ્તુના જથ્થો વિનામૂલ્યે મળી રહે તે માટેનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.

તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં પણ જરૂરીયાતમંદ લોકોને આવશ્યક ચીજવસ્તુના જથ્થાનું આણંદ જિલ્લાની ૬૭૪ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારની વાજબી ભાવની દુકાનો પરથી વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારી અને લોકડાઉનના કટોકટીના સમયમાં પણ કેટલાક વાજબી ભાવના દુકાનદારોએ ઉત્કૃષ્ટ  કામગીરી કરી હતી જ્યારે કેટલાક દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને તેમના હકથી વંચિત રાખવા જેવી ગંભીર પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આવી ગંભીર બેદરકારી દાખવનાર દુકાનદારો સામે જિલ્લા કલેકટર
શ્રી આર.જી. ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પુરવઠા તંત્ર દ્વારા નિયમાનુસાર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીના ભાગરૂપે પેટલાદ તાલુકાના સુંદરણાના દુકાનદાર યાસીનભાઈ વ્હોરા દ્વારા એપ્રિલ અને મે માસનાં લોકડાઉનના સમયગાળા દરમિયાન ગેરરીતી કરતાં હોવાની રજૂઆત મળી હતી.

આ બાબતે પેટલાદ મામલતદાર મહેશ્વરીબેન રાઠોડ અને તેમની ટીમ દ્વારા દુકાનની વ્યાપક અને સઘન તપાસ હાથ ધરવાની સાથે રેશનકાર્ડ ધારકોના નિવેદન લેતા જણાઈ આવ્યું હતું કે, લોકડાઉનના સમય દરમિયાન કેટલાક રેશનકાર્ડ ધારકોને અપૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડ્યો હતો જ્યારે કેટલાક રેશનકાર્ડ ધારકોને તો જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો ન હતો તેમજ દુકાન નિયમિત રીતે ખોલતા ન હોવાનું તથા રેકર્ડ પણ નિભાવેલ ન હોવાનું જણાઈ આવતા પેટલાદ મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાને અહેવાલ રજ કરવામાં આવ્યો હતો.

આ અહેવાલનાં આધારે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ આ અહેવાલ મળતાં સુંદરણાના દુકાનદાર યાસીનભાઈ વ્હોરાનો ૯૦ દિવસ માટે પરવાનો રદ કરીને દુકાન સાથે જોડાયેલા ૧૦૦ ટકા રેશનકાર્ડ ધારકોની ચકાસણી કરવા પેટલાદના મામલતદારને અહેવાલ રજૂ કરવા જણાવતા તેમના દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવેલ અહેવાલમાં જણાઈ આવ્યું કે દુકાનદાર દ્વારા  રેશનકાર્ડ ધારકોને અપૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડ્યો હતો જ્યારે કેટલાક રેશનકાર્ડ ધારકોને તો જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો ન હતો તેમજ દુકાન નિયમિત રીતે ખોલતા ન હોવાનું તથા રેકર્ડ પણ ન નિભાવવાનું જણાઈ આવ્યું હતું.

આમ, જરૂરીયાતમંદ રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના તેઓના અધિકારના આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાથી વંચિત રાખવા બદલ તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને ખોરંભે પાડવાની ગંભીર બેદરકારી દાખવનાર સુંદરણાના વાજબી ભાવના દુકાનદાર યાસીનભાઈ વ્હોરાનો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ પરવાનો કાયમી ધોરણે રદ કરીને રૂા.૭૧,૧૧૮નો  દંડ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

Charotar Sandesh

આણંદમાં એમજીવીસીએલ ટીમના દરોડા, ૬૦૪ મીટરો ચેક કરાયા, ૨૮.૮૩ લાખનો દંડ ફટકાર્યો

Charotar Sandesh

ભાજપની પ્રથમ યાદી જાહેર : નડીયાદમાં પંકજ દેસાઈ રિપીટ, જુઓ ખેડા-આણંદ જિલ્લાની બેઠકોમાં કોણ ?

Charotar Sandesh