Charotar Sandesh
ધર્મ ધર્મ ભક્તિ

મહાશિવરાત્રિ પર્વે બિલી પુરાણ : ભોળાનાથને પ્રિય બિલીપત્રનું અનેરૂ મહાત્મ્ય…

ભગવાન શિવજીના લીલા મુગટ જેવી બિલીનું વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયુ આપે છે અને હવા શુદ્ધ કરે છે…

શિવજીને પ્રસન્ન કરતાં બિલીવૃક્ષ શારીરિક તંદુરસ્તી જાળવવા માટે વરદાનરૂપ ઔષધોનો સ્ત્રોત છે…

મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવની કૃપા મેળવવા માટેનું મહાપર્વ. આ પર્વે, સોમવારે અને શ્રાવણ મહિનામાં બિલાના વૃક્ષના પાંદડા એટલે કે બિલીપત્રનું દેવાધિદેવ મહાદેવના પૂજનમાં અદકેરું મહત્વ છે. એટલે મહાશિવરાત્રિના પવિત્ર પર્વે શિવને પ્રિય બિલીનો મહિમા અને રસપ્રદ વાતો જાણવા જેવી છે.

શિવજીને પ્રસન્ન કરતાં બિલીપત્રોના દાતા આ વૃક્ષ માનવશરીરની ક્ષેમકુશળતા જાળવવા માટે વરદાનરૂપ ઔષધોનો પણ સ્ત્રોત છે. એટલે ધાર્મિક મહત્વ સાથે આ વૃક્ષના ફળ, પાંદડા, ફૂલ, મૂળ ઔષધ તરીકે બહુવિધ ઉપયોગિતા ધરાવે છે.

લાંબુ આયુષ્ય અને હવામાનની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે ટકી રહેવાની તાકાત ધરાવતા બિલીના વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. આ વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયું આપે છે. બિલી વૃક્ષના ત્રિદલ પર્ણ જાણે કે શિવજીના શિરે લીલા મુગટનો આભાસ કરાવે છે. ગુજરાતીમાં બિલી કે બિલાના નામે ઓળખાતી આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ aegle marmelos – ઇગલ મારમેલોઝ છે. તે હિન્દીમાં બેલવૃક્ષ અને સંસ્કૃતમાં બિલ્વ ફળ કહેવાય છે.

બિલીનું વૃક્ષ ઇમારતી લાકડું આપતું નથી એટલે વનવિભાગમાં તેની ગણના ઈત્તર  વૃક્ષોમાં થાય છે. ભારતમાં અને ગુજરાતમાં આ વૃક્ષ ખેતરો, ડુંગરો, જંગલો, શિવમંદિરો, આશ્રમો અને લોકોના ઘરના વાડા, કોતર વિસ્તાર એમ સર્વત્ર જોવા મળે છે. શિવ પૂજનમાં તેના પાનની સાથે ફળનું પણ મહત્વ છે. તેના ફળ કોઠા જેવા ગોળ અને નાના લીંબુથી લઈને મોટા નારિયેળના કદના હોય છે. આદિવાસીઓ તેના કાચા ફળનું શાક, અથાણું બનાવે છે. કાચા બિલાને સૂકવીને કાઢવામાં આવેલો ગર્ભ બેલકાચરી દવામાં વપરાય છે. પાકા બિલાનું સ્વાદિષ્ટ શરબત ઉનાળામાં શરીરને ટાઢક આપે છે. બિલિપત્રનું વેચાણ આવક આપે છે. બિલ્વાદી કવાથ, દશમૂલ કવાથ સહિતની આયુર્વેદિક દવાઓ બનાવવામાં બિલીનો ઉપયોગ થાય છે. આમ, દેવને પ્રિય આ વૃક્ષ આરોગ્યના કલ્પવૃક્ષ સમાન છે.

મહાશિવરાત્રીની પવિત્ર રાત્રિએ બિલીવૃક્ષ પર બેસેલા શિકારીએ સાવ અજાણતાં જ બિલી પત્રનો શિવજી પર અભિષેક કર્યો અને તે મોક્ષને પામ્યો.

આપણા આંગણામાં, વાડામાં આ બહુગુણી વૃક્ષ, શિવ વૃક્ષ ઉછેરીને જીવનને સરળ અને સાર્થક બનાવવાની સાથે પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપી શકીએ.

વૃક્ષો દ્વારા, વનસ્પતિ દ્વારા ભારતીય સંસ્કૃતિ પરમ ઈશ્વરીય તત્વ સાથે અનુસંધાન સાધે છે જે તેની આગવી વિશેષતા છે, એટલે જ પ્રત્યેક વૃક્ષ, વનસ્પતિ અને જંગલોની સાચવણી અને જાળવણી માનવજીવનને ઉપયોગી પુરવાર થાય છે.

Related posts

તમારા અવગુણોને ગુણોમાં પરિવર્તિત કરી સાચી સમજના દિવ્ય ચક્ષુ આપનાર પરમ પિતા એટલે ‘ગુરુ’

Charotar Sandesh

પ્રત્યેક માનવમાં રામ વસે છે તે સમજ ઊભી કરવી એ જ સાચી “રામ નવમી”ની ઉજવણી

Charotar Sandesh

ગુજરાતની આ પવિત્ર જગ્યાઓ કરાવશે આધ્યાત્મિકતાનો અહેસાસ… જાણો… કઈ કઈ..?

Charotar Sandesh