આણંદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના વાયરસની લડાઈ સામે રાહત નિધિ ફંડમાં ૫૦ લાખનો ચેક આપવા માટે મળનાર આણંદના સાંસદ સહિત ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ, ઉપપ્રમુખ અને માનદ મંત્રી સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ જવા પામ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે ખાડીયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં હડકંપ મચી જવા પામ્યો હતો. રીપોર્ટ આવ્યો તે પહેલાં ઈમરાન ખેડાવાલાએ સાથી ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ સાથે બપોરના બે વાગ્યે સીએમ હાઉસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે અમદાવાદની સ્થિતિને લઈને બેઠક કરી હતી. આ પહેલાં તેઓએ એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જો કે સાંજે ઈમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં જ તંત્ર દોડતું થઈ ગયું હતુ. જો કે ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યાના સુમારે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને વિદ્યાનગરની ચારૂતર વિદ્યામંડળ યુનિર્વીસીટીના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ સહિત ચાર મહાનુભાવો મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં ૫૦ લાખનો ચેક આપવા માટે મળ્યા હતા. જેને લઈને ગઈકાલ રાતથી જ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ સહિત ચારેય મહાનુભાવો સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ જવા પામ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તેઓના સેમ્પલો લઈને ચકાસણી માટે મોકલવામાં પણ આવનાર છે. અમારા વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર બે વાગ્યે ઈમરાન ખેડાવાલા સાથે બેઠક પત્યા બાદ ત્રણ વાગ્યે આખી સીએમ ઓફિસને સેનેટાઈઝર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આણંદના સાંસદ સહિત ચાર મહાનુભાવોનું પ્રતિનિધિમંડળ ૫૧ લાખનો ચેક આપવા માટે સીએમને મળ્યું હતુ જેથી તેમને સંક્રમણ થવાની ખુબ જ ઓછી શક્યતા જોવાઈ રહી છે. સીએમે પણ કોરોના પોઝીટીવ ઈમરાન ખેડાવાલા સાથે દુરના અંતરેથી જ બેઠક કરી હતી. અને આજે સવારથી જ મુખ્યમંત્રી જાતે જ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે અને તેમની તબિયત એકદમ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.