Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વડતાલ ખાતેના નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયું…

  • ગુજરાતે હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્લાન્ટસ સ્થાપીને ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ઓક્સિજન માંગમાં પગભર બનવાની દિશા લીધી છે : મુખ્યમંત્રી
  • કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં ધાર્મિક સંસ્થાઓનો સહયોગ પ્રસંશનીય છે :મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રીશ્રીની અપીલના પ્રતિસાદ રૂપે હોસ્પિટલમાં વધુ એક પ્લાન્ટ માટે રૂ.૩૦ લાખની જાહેરાત…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઈ રહેલ સમાજસેવા સહિત આરોગ્ય સેવાના કાર્યોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યુ હતું બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્યા છીયે. હવે તજજ્ઞો જ્યારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે.

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ શ્રી સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ- વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું.

આ ઈ-લોકાર્પણ પ્રસંગે વડતાલ ખાતે ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, પૂ નૌતમપ્રકાશ સ્વામી, ડો સંત સ્વામી મુખ્ય કોઠારી, પૂ ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, શુકદેવ સ્વામી નાર, શ્યામવલ્લભ સ્વામી; લાલજી ભગત જ્ઞાનબાગ, વગેરે સંતો અને સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ – ધારાસભ્યશ્રી અર્જુન સિંહ ચૌહાણ, સહિત અનેક દાતા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન સપ્લાયના કાર્યમાં વડતાલ સહિત અન્ય ધાર્મિક – સામાજિક સેવાભાવી સંસ્થાઓ,અમૂલ,બનાસ ડેરી ઉપરાંત એન.આર.આઇ પણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદનીય છે.મુખ્ય મંત્રીએ આ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરી હતી.
તેના પ્રતિસાદરૂપે આજ હોસ્પિટલ ખાતે બીજા ૫૦ બેડના ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી હતી.બીજા ઓક્સિજન પ્લાન્ટ માટે હોસ્પીટલના પ્રમુખશ્રી ધનજીભાઈ મીનાક્ષી ડાયમંડ સુરત- દ્વારા રૂપિયા ૧૫ લાખ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા ૧૦ લાખ ; શેઠશ્રી પંકજભાઈ દ્વારા પાંચ લાખ તથા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા રૂપિયા ૩૫ લાખની અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોનાથી બચવા રસીકરણ રામબાણ ઈલાજ છે ત્યારે સૌ કોરોના રસી લઇ સુરક્ષા કવચ મેળવે તે જરૂરી છે.હાલમાં રાજ્યમાં ૧૮ થી ૪૪ વય જૂથ અને ૪૫ ઉપરની વયના જૂથના લોકોનું રસીકરણ થઈ રહ્યું છે. વડતાલ ધામ અને તેમની સમગ્ર ટીમ સરકારની રસીકરણ ઝુંબેશમાં સહયોગી બની સમાજના ગરીબ તવંગર યુવાઓ અને વયો વૃદ્ધોનું સો ટકા રસીકરણ થાય તે માટેના પ્રયાસો આદરે તે ખૂબ જ આવશ્યક છે.

વડતાલના સેવાકાર્યમાં સહયોગી સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું. રાજુભાઈ ડોલ્ફીન વોચ, સુનિલભાઈ બોરીયાવી, અતુલભાઈ કરમસદ, નંદકિશોરભાઈ, સુર્યમણી ગ્રુપ નડિયાદ વતી અરવિંદભાઈ, સતિષભાઈ તથા રાકેશભાઈ હરિકૃષ્ણ ડેવલોપર્સ વડતાલ, ડો સતિષ ગોંડલીયા, ડો સતિશ જાની; મહેન્દ્રભાઈ ટ્રસ્ટી, શંભુભાઈ ટ્રસ્ટી, પ્રદીપભાઈ બારોટ ટ્રસ્ટી, કાંતિભાઈ રાખોલિયા, શંભુભાઈ ટ્રસ્ટી, પંકજભાઈ શેઠ વડોદરા જેવા મહાનુભાવ ઊપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યુ હતું .

આજરોજ પરેશભાઈ પી પટેલ વડતાલ અને હરિકૃષ્ણભાઈ બી પટેલ કરોલી હાલ કેન્યા પરિવાર તરફથી પુ અથાણાવાળા સ્વામીની પુણ્યસ્મૃતિમાં આમ્રોત્સવ કરવામાં આવ્યો હતો , આ પ્રસાદ અનાથાશ્રમ , વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલમાં વહેંચવામાં આવશે, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

Related posts

આણંદ સાંસદ મિતેષ પટેલ દ્વારા એક વર્ષની સિદ્ધિઓ જન–જન સુધી પહોંચાડવા કાર્યક્રમનો પ્રારંભ…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : તા.૨ માર્ચના રોજ મતગણતરી યોજાશે : જાણો મતગણતરીના સ્થળો…

Charotar Sandesh

આણંદમાં ધુવારણ પાવર પ્લાન્ટમાં ૫ કરોડની કિંમતના ટર્બાઇન બકેટ્‌સની ચોરી : ૭ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ…

Charotar Sandesh