રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા ધૂમ સ્ટાઇલ બાઈકચાલકો સામે લાલ આંખ કરી છે : ગોધરા-નવસારીમાં ૭૦ બુલેટ જપ્ત કરવામાં આવ્યા…
રાજ્યમાં હાલમાં જ પ્રદેશ વાહનવ્યવહાર મંત્રીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખી બેફામ બુલેટ હંકારતા અને અવાજ પ્રદૂષણ કરતાં લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જે બાદથી રાજ્યમાં હવે બુલેટ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. થોડા દિવસ ગોધરામાં બુલેટ જપ્ત કરવાના સમાચાર સામે આવ્યા હતા. તેવામાં આજે નવસારીમાં ૭૦ બુલેટ જપ્ત કરવામાં આવ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ધૂમ સ્ટાઇલ બાઈકચાલકો સામે લાલ આંખ કરી છે.
થોડા દિવસ પહેલાં ગોધરા શહેર ટ્રાફિક પોલીસે સપાટો બોલાવતાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા ૨૧ બુલેટ બાઈક ડિટેઇન કર્યા હતા. જે બાદ આજે નવસારીમાં ઘોંઘાટ ફેલાવતાં ૭૦ બુલેટ બાઈકને જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટ પર તવાઈ બોલાવવામાં આવી હતી. અને ૭૦ બુલેટચાલકો સામે કાર્યવાહી કરી હતી.
તો બીજી બાજુ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ ગોઠવી ૬ કેસો કરવામાં આવ્યા છે. પોલીસે ૬ બાઇકો અને ૨ કાર કબ્જે કરી ૩૦૮ મુજબ ગુનો નોંધ્યો છે. આ તમામ આરોપીઓ લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે બાઇકો અને કાર ચલાવતા હતા. આગામી સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા હજુ પણ આવા બાઈકચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.