Charotar Sandesh
ગુજરાત

રિસર્ચ : અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ…

ગાંધીનગર આઇઆઇટી અને અન્ય સંસ્થા દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું

પ્રથમ વખત નદી અને તળાવ જેવા પાણીના સ્ત્રોતમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઇ છે

અમદાવાદ : કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે છે તેના પર રિસર્ચ થતું હતું. પરંતુ કોરોના વાયરસ ગંદા પાણીમાં પણ મળી આવ્યો છે. ગાંધીનગર આઇઆઇટી અને અન્ય સંસ્થા દ્વારા એક રીસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી નદી અને ચંડોળા તળાવના પાણીમાં કોરોના વાયરસની હયાતી મળી આવી છે.
અમદાવાદમાં પાણીમાં પણ કોરોના વાયરસ જોવા મળવાના અહેવાલ પ્રગટ થયા બાદ ચારેબાજુ ચર્ચા વહેતીઓ થવા માંડી છે. અમદાવાદની વચ્ચોવચ રહેલા ત્રણ તળાવોના પાણીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. એટલું જ નહીં, સાબરમતી નદી સિવાય અમદાવાદના બે મોટા તળાવ (કાંકરિયા, ચંડોળા)માંથી પણ કોરોના વાયરસ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે સાબરમતી નદી પહેલા ગંગા નદીમાંથી અલગ અલગ ગટરોમાંથી કોરોના વાયરસ મળી આવ્યો હતો. પરંતુ હવે પ્રાકૃતિક જળમાં આ પ્રકારનો વાયરસ મળવાથી હવે ચિંતા વધી ગઈ છે.
ગાંધીનગર આઇઆઇટીએ અમદાવાદની સાબરમતી નદીમાંથી સેમ્પલ લીધા હતા અને તેનો અભ્યાસ કર્યો હતો. જેમાં પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન પાણીના સેમ્પલમાંથી કોરોના વાયરસને ઓળખી શકાયો છે, જે ઘણો ખતરનાક છે. આ રિચર્સને લઈને આઇઆઇટી ગાંધીનગરના પૃથ્વી અને વિજ્ઞાન ભવનના પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું હતું કે, પાણીમાંથી આ સેમ્પલ નદીમાંથી ૩ સપ્ટેમ્બરથી ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ સુધી દરેક અઠવાડિયે લેવામાં આવ્યા હતા. સેમ્પલ લીધા પછી તેનો અભ્યાસ કરતા કોરોના વાયરસના સંક્રમિત જીવાણું મળી આવ્યા હતા.
મનીષ કુમારના મતે, સાબરમતી નદીમાંથી ૬૯૪, કાંકરિયા તળામાંથી ૫૪૯ અને ચંડોળા તળાવમાંથી ૪૦૨ સેમ્પલ લઈને તેની તપાસ કરવામાં આવી છે. આ સેમ્પલમાં જ કોરોના વાયરસ જોવા મળ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કૃદરતી જળમાં પણ જીવાણું જીવિત રહી શકે છે. એટલા માટે વૈજ્ઞાનિકોનું માનવું છે કે દેશની તમામ નદીઓની તપાસ થવી જોઈએ, કારણ કે કોરોનાની બીજી લહેરમાં વાયરસના ઘણા ગંભીર મ્યૂટેશન પણ જોવા મળ્યા છે. પરંતુ પાણીથી કોરોના ફેલાવવાની કોઈ પુષ્ટિ નથી. અગાઉ ગાંધીનગર આઇઆઇટી દ્વારા અગાઉ ડ્રેનેજ વોટરને લઈ રીસર્ચ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સંશોધકોએ નાળાં-વોકળામાં વહેતાં ગંદાં પાણીના ટેસ્ટિંગ પર ભાર મૂક્યો હતો. અગાઉ ઑસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્‌સ, ફ્રાન્સ અને અમેરિકામાં પણ ગંદાં પાણીનાં સેમ્પલમાં કોરોના વાઈરસના કણો મળી આવ્યા હતા. તો ભારતમાં નાળાંનાં ગંદાં પાણીમાં કોરોના વાઇરસની હાજરી મળી છે.
અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગાંધીનગર આઇઆઇટી દ્વારા ગંદા પાણીમા કોરોના વાયરસનું સંશોધન કર્યું છે. આઇઆઇટી ગાંધીનગર દ્વારા વેસ્ટ વોટરનું સંશોધન કરી તેમાં કોરોના વાયરસના જિન મળ્યા હતા. જેના સંશોધન થકી એ જાણી શકાયું હતું કે, જે-તે વિસ્તારમા કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ કયા પ્રકારની છે. કોરોના વાયરસના ટેસ્ટની સાથે વેસ્ટ વોટરનું ટેસ્ટ કરવામાં આવે તો સરકારને કોરોનાનું સંક્રમણ અટકાવવા મદદરૂપ થઈ શકે છે. વળી એ સિમ્પટોમેટિક લોકોમાં લક્ષણ દેખાય તે પહેલાં જ જાણી શકાય છે કે વિસ્તારમા કોઈ સંક્રમિત છે કે નહિ. આ રિસર્ચ દ્વારા કરવામાં આવતા સંક્રમણના ટેસ્ટના ફાઇન્ડિંગમાં એ પણ જાણવા મળ્યું છે કે, વેસ્ટ વોટરમાં કોરોના વાયરસ માત્ર ૩ કલાક જીવિત રહી શકે છે અને આવનાર સમયમાં આ રિસર્ચ સબમિટ પણ કરાશે.

Related posts

વંદે ભારત ટ્રેન હવે આ રંગમાં પણ દેખાશે : રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ટિ્‌વટર હેન્ડલ પર શેર કરી તસ્વીરો

Charotar Sandesh

સુરતમાં કેરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

Charotar Sandesh

આંકલાવ પોલીસનો તરખાટ પાસાના અટકાયતી રામાને મોકલ્યો અમદાવાદ સેન્ટ્રલ જેલ

Charotar Sandesh