Charotar Sandesh
આર્ટિકલ ચરોતર સ્થાનિક સમાચાર

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

૧૯૪૨ ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિ…

અમર શહીદો….. ઝીંદાબાદ…. વંદેમાતરમ….. ૧૯૪૨ ની આઠમી ઓગષ્ટે ભારતીય કોંગ્રેસની મહાસમીતીની મુંબઈ બેઠકમાં ગાંધીજીએ યાદગાર પ્રવચન આપ્યું. અંગ્રેજ સરકારને આખરીનામું આપી ‘હિન્દ છોડો’ નો આદેશ આપ્યો અને ભારતની જનતાને ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો.

અંગ્રેજ સરકારે દમનનો દોર છુટો મુક્યો, ગાંધીજી અને તમામ નેતાઓની ધરપકડ કરી, કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી અને વર્તમાનપત્રો ઉપર બંધનો ના નાખ્યા. પરંતુ ક્રાંતિની ચિનગારીએ મહાનલનું સ્વરૂપ ધારણ કર્યું અને દેશભરમાં ક્રાંતિની જ્વાલા પ્રસરી ગઈ. અંગ્રેજ સરકારે લોકો ઉપર પારાવાર સીતમ ગુજાર્યો-પાશવતા આચરી. દેશના અસંખ્યા નવયુવાનોએ હસતે મોઢે ગોળીઓ ઝીલી. ૧૯૪૨ ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિ.

ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે પણ ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો. તે દિવસે વડોદરાની કોલેજો-શાળાઓમાં ભણતા ૩૪ થનગનતા નવયુવાનો, ‘કરેંગે યા મરેંગે-અંગ્રેજો ચાલ્યા જાવ’નો ગાંધીજીનો સંદેશો ગામડે ગામડે પહોંચાડવા, વડોદરાથી કુચ કરતાં બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુત્રોચ્ચાર કરતા અને પત્રિકાઓ વહેંચતા તેઓ સૌ ત્યાંથી ગોપાલપુરા અને જહાંગીરપુરા થઈ આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રિકલ્ચરમાં પહોંચ્યા. કેટલાક યુવાનો આણંદ શહેરમાં પણ ગયા. આમ બધે ક્રાંતિનો સંદેશો ફેલાવતા બપોર બાદ તેઓ આણંદથી પાછા વડોદ આવી પહોંચ્યા. વડોદની ભાગોળે એક ખેડૂત ભાઈએ તેમને સમાચાર આપ્યા કે કેટલીક લાઠીધારી અને બંદૂકધારી પોલીસ તેમની તપાસમાં છે, અને તમારી પુછપરછ કરતા હતા માટે નાવલી ન જશો. ખેડૂતભાઈએ આ કુમળા જુવાનોને જોઈ દયાથી પ્રેરાઈ ગત પોતાને ત્યાં રોકાઈ જવા કહ્યું પરંતુ યુવાનોને તો દિવસે પાછા વડોદરા પહોંચવું જ હતું. એટલે તેઓ સૌ નાવલી ન જતાં ત્યારપછીના સ્ટેશન તરફ ઉપડ્યા. તેઓ સૌ અડાસથી વડોદરા જવા ગાડી પકડવા ઈચ્છતા હતા પરંતુ સ્ટેશન થોડું દૂર રહ્યું ત્યાં ગાડી સ્ટેશન ઉપર આવી ગઈ હતી. તેમની પાછળ પડેલા પોલીસોએ ગાડીમાંથી યુવાનોને જોયા કે તરત તેઓ ગાડીમાંથી પાટા ઉપર કૂદી પડ્યા અને રેલવે લાઈનની તારની વાડ ઓળંગી આ ૩૪ નવયુવાનોને ખેતરમાં આંતર્યા લાઠીઓ અને બંદૂકો તાકત તાકતાં બધા નવયુવાનો નીચે બેસી ગયા. પછી ? પછી તો કોઈપણ જાતની પુછપરછ કે ચેતવણી વગર આડેધડ લાઠીમાર અને ગોળીમાર…

દૂધમલ જવાનોને નિર્દય પોલીસોની ગોળીઓએ વીંધી નાખ્યા, લાઠીઓ મારી બંદૂકોના કુદા માર્યા, બીભત્સ ગાળો દીધી અને મધરાત સુધી અંધારામાં ત્યાં જ પડ્યા રહેવા દીધા.

ત્રણ યુવાનો શ્રી રતિલાલ ગોરધનભાઈ પટેલ, શ્રી રમણલાલ પુરુસોત્તમદાસ પટેલ અને શ્રી મોહનલાલ મગનલાલ પટેલ ઘટનાસ્થળે જ શહીદીને વર્યા. ગોળીબારની આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ, પણ સ્ટેશન ઉપરથી કે ગામમાંથી કોઈપણ માણસને પોલીસોએ તેમની નજીક આવવા દીધા નહીં. પાણી… પાણી…. કરતાં ઘાયલ યુવાનોને પાણી મળ્યું નહિ, લોહી નીકળતાં કોઈના લાડકવાયાને કંઈ સારવાર મળી નહિ.
છેક મધરાતે તેમને સૌને એક માલગાડીમાં ચડાવ્યા અને આણંદ લાવ્યા. ત્યાં પણ તેમને તાત્કાલીક સારવાર, ખોરાક કંઈ મળ્યું નહિ. પોલીસોએ માનવતા નેવે મૂકી દીધી હતી. આણંદમાં બીજા દિવસે શ્રી તુલસીદાસ સાંકળચંદ મોદી અને ત્યારબાદ શ્રી મણીલાલ પુરૂસોત્તમદાસ શહીદ થયા. જલિયાવાલા બાગની નાની આવૃત્તિ સમી આ છે અડાસના શહીદોની અમરગાથા. આજે પણ અડાસ રેલવે સ્ટેશનને અડીને ઉભેલી તેમની ખાંભી યુવાનોને પ્રેરણાનાં પીયૂષ પાઈ રહી છે.
  • આ છે અડાસના વીર શહીદો….
    (૧) શ્રી રતિલાલ ગોરધનભાઈ પટેલ, ભાદરણ ઉ.વ. ૨૩ વર્ષ
    (૨) શ્રી રમણલાલ પુરુષોત્તમદાસ પટેલ, ધર્મજ ઉ.વ. ૨૦ વર્ષ
    (૩) શ્રી મોહનલાલ મગનલાલ પટેલ, દહેગામ ઉ.વ. ૨૦ વર્ષ
    (૪) શ્રી તુલસીદાસ સાંકળચંદ મોદી, બાલાસિનોર, ઉ.વ. ૨૧ વર્ષ
    (૫) શ્રી મણીલાલ પુરુષોત્તમદાસ, ચાણસ્મા ઉ.વ. ૨૦ વર્ષ

(જીજ્ઞેશ પટેલ – આણંદ)

Related posts

આણંદમાં નવી સિવીલ હોસ્પિટલ સહિત શહેરમાં નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યો અનુરોધ

Charotar Sandesh

નાપાનો કુખ્યાત પાસાનો આરોપી લવીંગખાન પઠાણની આખરે પોલિસે ધરપકડ કરી…

Charotar Sandesh

આગામી ૧૦મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે આણંદમાં : ૧ લાખથી વધુ જનમેદની થશે એકત્ર

Charotar Sandesh