Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ યૂથ ઝોન

આજના દિવસે ભવ્યતાના શિખરે બિરાજમાન ઉત્તમ શિક્ષકત્વ ધરાવનારા શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ

શિક્ષક મિત્રો

શિક્ષકે વટ પાડવાનો નથી શિક્ષકનો વટ પડતો હોય છે

જેની પાસે ઉભા રહીને લઘુ હોવાનો અહેસાસ ન થાય એવા મારા ગુરુઓને શિક્ષકદિનની શુભેચ્છાઓ

પોતાના વિસ્મયને વિદ્યાર્થીઓના વિસ્મય સાથે જોડી શિક્ષણકાર્ય કરાવતાં પાઠ્યપુસ્તકની નહિવત્ જરૂરિયાત જણાતી હોય છે. માત્ર આધારભૂત બાબતો માટે જ પાઠ્યપુસ્તકની મદદ લેતો આવો શિક્ષક ખુદ એક ભવ્ય પુસ્તક હોય છે. અને વિદ્યાર્થીને આત્મજ્ઞાન આપી નિયંત્રિત કરતો હોય છે.

ઘરમાં માં, મંદિરમાં પ્રભુ અને વર્ગમાં ગુરુ પુજનીય છે. તેમની હાજરી થી પવિત્રતા અને દિવ્યતા અનુભવાય છે. ત્યારે શિક્ષકે જ્યારે અને ત્યારે.. જ્યાં અને ત્યાં કેવી વાતોને ચર્ચા કરવી?, કેવા મંતવ્યો આપવા? સાચું બોલવું કે મીઠું બોલવું? વગેરે પોતાના અખંડિત આત્મવિશ્વાસથી નકકી કરી પોતાના અનોખા વ્યક્તિત્વની જ્યોત પ્રજ્જવલિત રાખવાની છે.

સમાજમાં મૂલ્યોની ખેતી કરવા પરંપરાગત મૂલ્યોના જોડાણથી નવાં મૂલ્યો પ્રસ્થાપિત કરવાનાં છે.સમાજના તમામ પાસાંઓના અભ્યાસુ બની શિક્ષકે ગરીબી, બેકારી, મજબુરી સ્વીકારી લેવાની નથી પણ અનુભવવાની છે. ત્યારે આ અનુભવ માટે તેને ક્યાંય ઠેર ઠેર જવાની જરૂર નથી. પરંતુ પોતાના વર્ગનાં જ બાળકોમાં રહેલી આ વાસ્તવિકતા પિછાણી હમદર્દ થવાનું છે. ત્યારે…

શિક્ષકે શું શું ત્યાગવું અને શું શું અપનાવવું એ બાબતે જબરો વિવેક દાખવવો પડશે. કારણકે શિક્ષક અમુક વર્ષોનો નહીં પણ યુગ નિર્માતા છે. શિક્ષકથી જમાનો હોય છે. જમાનાથી શિક્ષક નહીં. શિક્ષકે માસૂમિયત સામે નફરત નથી કરવાની પણ નફરત સામે સંવેદના બતાવવાની છે. અને એમાં ખોખલી નમ્રતા વ્યક્ત કરવાને બદલે જરૂર જણાય ત્યાં નૈતિક તલવાર ઉગામવાની છે. કેટલાંક બાળકો શિક્ષકની નફરત કે નકારાત્મકતાને પણ પ્રેમ કરતાં હોય છે.

ત્યારે શિક્ષકે સમજવું પડશે કે વર્ગના બાળકોને મૂલ્યોનું શિક્ષણ આપવા તેનો માત્ર બાહ્ય દેખાડો નહીં પણ તેને આત્મસાત કરવા જરૂરી છે અને વર્ગના બાળકોને ભરપૂર પ્રેમ આપવો એ જ સમાજ પરિવર્તનનું એક આધારભૂત અને સબળ ઉચ્ચાલન છે. શિક્ષકે આજુબાજુની તમામ ચીલાચાલુ વાતો ત્યાગી મક્કમતા ઉભી કરવાની છે. જે પ્રવર્તમાન વાતોના પ્રવાહમાં આવે તે નહિ પણ પોતાનો મક્કમ અને મૂલ્યવાન પ્રવાહ નિર્માણ કરે એ શિક્ષક. પોતાના સર્વને ભવ્ય બનાવવા પ્રયત્નશીલ રહેતો શિક્ષક જ ભારતીય સંસ્કારોથી સુશોભિત વિદ્યાર્થીઓ ઘડી શકશે.

શિક્ષકની ભવ્યતા એટલે તમામ હકારાત્મક બાબતોનો સમૂહ જે શુભતા તરફ પ્રયાણ કરે છે. શુભતાની નજીક પહોંચેલો શિક્ષક ખુદ ઉત્સવસમું જીવન જીવે છે. અને વિદ્યાર્થીઓને તેનો પરિપાક આપે છે. ભવ્યતા અને શુભતા એતો આપણી સંસ્કૃતિના પાયાના તત્વો છે. ભવ્યતા અને શુભતા લઇને જીવતો શિક્ષક સંસ્કૃતિનું અનિવાર્ય અંગ છે. વૈધિક અને અવૈધિક શિક્ષણ થકી યુગોની સંસ્કૃતિને યુગો સુધી વહેવડાવનારો શિક્ષક ભવ્યતાના શિખરે બેઠેલો હોવો જોઈએ…

  • એકતાબેન ઉપેન્દ્રકુમાર ઠાકર
    આચાર્યશ્રી, બામણગામ કન્યા પ્રા શાળા. બામણગામ
    તા-આંકલાવ, જિ-આણંદ.

Other Article : Sunday is Funday : રવિવારની રજાનો દિવસ એ સૌને ખૂબ જ પ્રિય હોય છે : વાંચો આર્ટિકલ

Related posts

क्या है नववर्ष तिथि चैत्र शुक्ल प्रतिपदा ? सूर्योदय के समय ब्रह्माजी ने जगत की रचना की थी ।

Charotar Sandesh

યુવાનોના ક્રાંતિકારી વલણ માટે કોણ જવાબદાર.? લોકતંત્ર સમાપ્ત કે તાનાશાહીનો ઉદય..??

Charotar Sandesh

સાહિત્ય જેનું સ્પંદન અને કલા જેનો ધબકાર છે એવો પ્રદેશ એટલે કાઠિયાવાડ…

Charotar Sandesh