ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના ખાદ્યપદાર્થો વેચતી આઠ પેઢીઓને રૂ. ૭.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો
આણંદ : જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા કેસો પૈકી ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના ખાદ્યપદાર્થોના જાહેર થયેલા નમૂનાના ૮ કેસોમાં જવાબદાર પેઢીઓ/દૂકાનદારોને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ ૫૧ અને પર હેઠળ કુલ ૭.૮૦ લાખની રકમનો દંડ (penalty) ફટકરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં આણંદ જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયલા નમૂનાઓ પૈકી સેફાયર ફુડસ ઈન્ડીયા પ્રા.લી (કેએફસી)થી લીધેલ મેદાનો(લૂઝ) નમૂનો ઉતરતી કક્ષાનો (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતા તેના જવાબદાર વ્યક્તિઓને રૂ.૨ લાખનો તેમજ ચરોતર રીસોર્ટ પ્રા.લી ખાતેથી લેવામાં આવેલા સાન્યા પનીરનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ. ૧.૬૦ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બોરસદ ખાતે આવેલ શંકર જનરલ સ્ટોરના કાળા મરીને રૂ.૩૦ હજારનો દંડ (penalty) ફટકારવામાં આવ્યો છે. સ્વામિનારાયણ ડેરી ખાતેથી દૂધનો નમૂનો ઉતરતી કક્ષાનો જાહેર થતાં રૂ.૧૦ હજારનો દંડ (penalty) કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં આણંદના અરિહંત ટ્રેડર્સ ખાતેથી લીધેલ બાદશાહ ગરમ મસાલાનો તથા આણંદ ખાતેના ડી-માર્ટના હાર્ડ બોઈલ્ડ સુગર કનફેકશનરીના નમૂના ખોટી બ્રાન્ડના (મીસબ્રાન્ડેડ) જાહેર થતા બન્ને પેઢીઓને અનુક્રમે રૂ ૧.૧૦ લાખ અને રૂ. ૨.૩૦ લાખની રકમનો દંડ (penalty) ફટકરવામાં આવ્યો છે. જ્યારે વિઠ્ઠલ ઉધ્યોગનગર ખાતે સ્થિત શાયોના બેવરેજીસમાંથી લેવામાં આવેલ યોગી પેકેજડ ડ્રીંકીંગ વોટર અને પેટલાદની મૌસમ કિરાણા સ્ટોર ખાતેથી લીધેલ ચણાનો નમૂનો પણ ખોટી બ્રાન્ડનો જાહેર થતાં બન્ને પેઢીઓને અનુક્રમે રૂ.૨૫૦૦૦ તેમજ રૂ. ૧૫,૦૦૦નો દંડ (penalty) ફટકારવામાં આવ્યો છે.
નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા કેસો પૈકી દંડનીય કાર્યવાહીના ભાગરૂપે આણંદ જિલ્લાના કુલ ૮ પેઢીઓના નમૂનાઓને ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના જાહેર કરી તમામ ૮ પેઢીઓને કુલ રૂ. ૭.૮૦ લાખની રકમનો દંડ (penalty) ફટકારવામાં આવ્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયુ છે.
Other News : વાયરલ કન્ઝટિવાઈટિસના કેસોમાં વધારો : આંખ આવે, લાલાશ થાય તો આરોગ્ય વિભાગે આપી આ સલાહ