ગાંધીનગર : હવે કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે મળેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ હવે માત્ર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવા ૮ મહાનગરોમાં જ રાતના ૧૨થી સવારના ૫ વાગ્યા સુધીનો રાત્રિ-કરફ્યુ ચાલુ રાખ્યો છે.
તે સિવાયના જે શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં હતો, તે પરત લઈ લેવાયો છે. વધુમાં, તમામ દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્યિક સંસ્થાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, મારકેટ યાર્ડ, ગુજરી બજાર, હાટ, હેર કટીંગ સલુન, સ્પા, બ્યુટી પાર્લર ઉપરાંત તમામ વ્યાપારિક ગતિવિધિઓ રાતના ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
સરકારની આ નવી ગાઈડલાઈન હવે, ૧૮મી, ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. અંતે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા. કોર કમીટીની નિર્ણયાનુસાર રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરી દીધું છે.
જેમાં જણાવેલ કે,
હોટલ-રેસ્ટોરન્ટ્સમાં રાતના ૧૧ વાગ્યા સુધી તેની કુલ બેઠક ક્ષમતાના ૭૫ ટકા મુજબ ગ્રાહકોને સમાવી શકાશે. જોકે, તેઓ હોમ ડિલિવરી તો, ૨૪ કલાક સુધી ચાલુ રાખી શકશે.
જ્યારે લગ્ન સમારંભોમાં ખુલ્લી જગ્યામાં કુલ ૩૦૦ વ્યક્તિઓ અને બંધ સ્થળોએ ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ની મર્યાદામાં) વ્યક્તિઓને આમંત્રી શકાશે.
રાજ્યમાં તમામ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક જાહેર સમારંભો કે ધાર્મિક સ્થળોએ પણ તેની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓને સમાવી શકાશે.
જ્યારે તમામ સિનેમા ઘરો, જીમ, વોટર પાર્ક્સ, સ્વીમીંગ પુલ, વાંચનાલયો, ઓડોટોરિયમ, મનોરંજન સ્થળોમાં પણ બેસવાની કુલ ક્ષમતાના ૫૦ ટકા મુજબ સમાવી શકાશે.
પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટેશનની બસોમાં નોન એસી કે એસી બસોમાં મહત્તમ ૭૫ ટકા પેસેન્જરોને બેસાડી શકાશે.
Other News : સુરતના એક વેપારીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકણા કરવા જતાં ૨૭ લાખ ગુમાવ્યા, જાણો વિગત