-
શહેરના વિકાસ સાથે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પણ ઉભી થઈ શકી નથી…
-
પાલિકા શાસકોની નિષ્ક્રિયતા અને વહીવટી અનઘડતાને પરિણામે આ વિસ્તારના નાગરિકો ચોમાસામાં નર્ક સમાન યાતના અને જિંદગી જીવવા મજબૂર છે…
આણંદ : આણંદ શહેરમાં શુક્રવારે ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈ પાધરિયા વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ સર્જી દીધી છે. શહેરના વિકાસ સાથે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પણ ઉભી થઈ શકી નથી. વિકાસથી વંચિત પાધરિયામાં પ્રથમ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે, એટલે સુધી કે ઘરોમાં પાણી ઘુસી જતાં સલામત સ્થળે ખસેડવાની નોબત આવી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આણંદ ગામડી ગ્રામ પંચાયત વિસ્તારની સીમાને અડીને આવેલા પાધરિયા ફરતે ૭૦થી પણ વધુ સોસાયટીઓ અને ફ્લેટના રહેણાંક વિસ્તાર આવેલો છે. અહીં આશરે શહેરની ૩૫ હજારથી વધુ વસ્તીનો સમાવેશ છે. ગરીબ અને મધ્યમવર્ગની બહુમતી ધરાવતા આ વિસ્તાર પ્રત્યે નગરપાલિકા શાસકો ઓરમાયું વર્તન કરતા હોવાનું નજરે ચઢી રહ્યું છે. પાલિકા શાસકોની નિષ્ક્રિયતા અને વહીવટી અનઘડતાને પરિણામે આ વિસ્તારના નાગરિકો ચોમાસામાં નર્ક સમાન યાતના અને જિંદગી જીવવા મજબૂર છે. અહીંના નાગરિકો દ્વારા નગરપાલિકા સહિત જિલ્લાના તમામ સબંધિત તંત્રને વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યા નિવારણ માટે કોઈ જ નક્કર પરિણામલક્ષી પગલાં લેવામાં આવતા નથી.આ યાતના પ્રતિદિન વધી રહી છે.