Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક…

મેઘધનુષ્યનો સાતમો રાતો રંગ એટલે મિત્રતા…

“મારી સમૃદ્ધિ એટલે મારા મિત્રો” – વિલિયમ શેક્સપિયર
વિલિયમ શેક્સપિયરનું આ વાક્ય આજના દિવસે યાદ કરવું જ રહ્યું! માણસની ખરી સમૃદ્ધિ ધન દોલત નહીં પરંતુ તેના સ્વજનો સાથેના સંબંધો જ છે. અને આ સંબંધોમાં જ્યાં ભારોભાર ખુલ્લાપણું, નિખાલસતા અને કોઇજ ભેદભાવ વગરની સમાનતા છે. એ સંબંધ એટલે મિત્રતા.

મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક. અને નિખાલસ નિર્દોષ આનંદનું સરનામું. આ જગત કેવળ તર્ક કે કેવળ લાગણીથી નથી ટક્યું એટલે જ માણસને મિત્રતા વગર નથી ચાલ્યું. પૃથ્વી પર સજીવસૃષ્ટિનો આરંભ થયો ત્યારથી જ સાથે સાથે મૈત્રીનો પણ આરંભ થયો. કારણકે ઉમળકો ધરાવતો પ્રત્યેક આદમી પોતાના જેવા જ ઉમળકાથી છલકાતું હૃદય ઝંખે જ. આવી ઝંખના ને ધર્મ, કે જાતિના વાડા નડતાં હોતા નથી. ઈશ્વર અને માણસ વચ્ચે જે કોઇ સામાન્ય ઝંખના છે એ છે એક સાચા મિત્રની ઝંખના.વિશ્વનિર્માણમાં જે સ્થાન જળનું છે. તે સ્થાન માનવ જીવનમાં મૈત્રીનું છે. મિત્રતા શબ્દ બોલતાં જ કૃષ્ણ- સુદામા, કૃષ્ણ-  અર્જુન, અને કૃષ્ણ દ્રૌપદી યાદ આવે. કૃષ્ણ એટલે મિત્રતાના દેવ.

કૃષ્ણ અને દ્રૌપદીની મિત્રતા એવી હતી કે, દ્રૌપદી પાંચ પતિની પત્ની હોવા છતાં એ સાંભળતી હતી માત્ર કૃષ્ણનું. જીવનનાં અગત્યનાં નિર્ણયોમાં એણે કૃષ્ણને જ યાદ કર્યા છે.જ્યારે ભરી સભામાં એની ઇજ્જત સાચવવામાં એના પતિઓ નિષ્ફળ રહે છે ત્યારે એણે કૃષ્ણને જ પોકાર્યા છે.અને કૃષ્ણએ દ્રોપદીની લાજ બચાવી હતી. કહેવાનો તાત્પર્ય એ છે કે, માણસ લોહીની સગાઈમાં સંજોગો વસાત મદદ કે હૂંફ નથી મેળવી શકતો ત્યારે એક જ સંબંધ એની જીવનને સાચવી લે છે અને એ છે સાચી “મિત્રતા”.
જ્યાં અમીર -ગરીબ અને ઉંચ-નીચ જેવો ભેદભાવ નથી માત્ર અલૌકિક લગાવ છે.આવા અલૌકિક લગાવના કારણે જ મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ એ અધર્મ સામે ધર્મની જીત પહેલેથીજ સુનિશ્ચિત કરેલી હોવા છતાં અર્જુનના યુદ્ધ રથના સારથિ બન્યા તથા આ જ લગાવના કારણ કૃષ્ણ મહેલ છોડી સુદામાને ભેટવા દોડ્યાં.
જ્યારે જ્યારે જીવનની જવાબદારીઓ વચ્ચે ઇરાદાપૂર્વક જીવવાનું ચુકી જવાય છે.ત્યારે જીવન જીવવાના ઇરાદાઓની હારમાળા સર્જતો ઝળહળતો દિવો એટલે મિત્ર. એકબીજાની સફળતા અને સુખના પર્યાયી એટલે મિત્ર.
મિત્ર એટલે મેઘધનુષ્યનો સાતમો રાતો રંગ કે જેના વગર આપણા જીવનનું મેઘધનુષ્ય અધુરું છે. 
મિત્ર એટલે એવું સાચુકલું મોતી કે જે વિંધાય છે તો પણ આપણાંમાં પરોવાય જવા માટે.
મિત્ર એટલે જ જીવનનમાં સંવેદના પુરતો લય. 
મેઘધનુષના રંગો, પંખીના ગીતો, ઝરણાંનું સંગીત, અને ફુલોની ખુશ્બુ આ બધુ જ જીવનમાં એક સાથે પુરનાર એટલે મિત્ર. કારણ કે, મિત્ર સાથે લીધેલું શિક્ષણ અને મિત્રો સાથે કરેલું સ્વ અધ્યયન થકી જ આગળ જીવન દિપી ઉઠતું હોય છે.
મિત્રતા એ એવો સંબંધ છે જેને મુંગા અબોલ પશુ -પક્ષીઓ પણ સમજી શકે છે.અને સજીવ હોવાને નાતે આપણી સાથે મિત્રતાથી બંધાય છે આપણે પણ તેમની સાથે સાચી દોસ્તી નિભાવી પૃથ્વી પર દોસ્તીની સાચી મિશાલ પ્રદર્શિત કરવી જોઈએ.
બધી જ જગ્યાએ જીતવાની ખ્વાઇશ ધરાવતો હું ,મારા મિત્રની આગળ કે જે મારા હાસ્યમાં છુપાયેલ આંસુને પીછાણી લે છે ત્યાં જ હારી જાઉં છું.

લેખક : ઠાકર એકતા ઉપેન્દ્રકુમાર – મુખ્ય શિક્ષક, બામણગામ પ્રાથમિક કન્યા શાળા
તાલુકો :-આંકલાવ, જિલ્લો :-આણંદ

Related posts

“આવનારી ચૂંટણીમાં મતદાતાઓએ જન ‘સેવક’ ની પરિભાષાઓ સમજવી પડશે….?”

Charotar Sandesh

સંજય દત્તનાં જન્મદિને ’કેજીએફ-૨’ નું બીજું પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh

विशेषता : मां पार्वती उनके पिता हिमालय और उस हिमालय से बहनें वाली जाह्नवी अर्थात् गंगाजी ।

Charotar Sandesh