ભારતીય સંસ્કૃતિ વિવિધતામાં એકતાનું વિશ્વને દર્શન કરાવનાર સંસ્કૃતિ છે, ભારતનો પોષાક કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કંડલા સુધીના રંગોથી સુશોભિત થયેલ છે અને એટલેજ વૈશ્વિક ફલક પર ભારતની છબી અનોખી ઝળકે છે
ભારતીય પ્રતિમા એટલે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સંકલ્પનાઓનો રંગીન સમન્વય. આ સાંસ્કૃતિક સંકલ્પના વિવિધ તહેવારોથી રંગીન બને છે. અને દરેક તહેવારની પાછળ વિશિષ્ટ દંતકથાઓ-ગાથાઓ શ્રદ્ધાના પ્રવાહમાં વહે છે. ભારતીયો આ પ્રવાહને પવિત્ર માને છે. અને આસ્થાપૂર્વક હૃદય સ્નાન કરે છે. તથા તહેવાર મુજબ ખાન પાન રિતી રિવાજ અપનાવી ઉલ્લાસ પૂર્વક દરેક તહેવારને ઉજવે છે.
આવો જ એક રંગીન અને રંગોનો તહેવાર એટલે રંગપર્વ-હોળી.હોળી ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવારની દંતકથા અધર્મ પર ધર્મના વિજયની ધજા ભારતીય હૃદયમાં ફરકાવે છે. આ દંતકથા મુજબ હિરણ્યકશિપુ નામનો રાજા હતો. જેના રાજ્યમાં વિષ્ણુ પૂજાની મનાઇ હતી. આ રાજાને પ્રહલાદ નામનો એક દૈવી પુત્ર અવતર્યો હતો. અને આ રાજાને હોલિકા નામની બહેન હતી જે અગ્નિમાં બળે નહીં એવું વરદાન ધરાવતી હતી. પુત્ર પ્રહલાદ તેની વિષ્ણુ ભક્તિ છોડતો ન હતો અને ભક્ત પ્રહલાદ તરીકે જાણીતો બન્યો. પરંતુ હિરણ્યકશિપુ એ તેને રાજ્યના નિયમ વિરુદ્ધ વર્તન બદલ સજા કરેલી અને પોતાની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિમાં બેસવા ફરમાન કર્યુ. પરંતુ ભક્ત પ્રહલાદની ભક્તિનો વિજય થયો.અને અગ્નિની જ્વાળાઓ આ દૈવી પુત્રને બાળી શકી નહીં. પરંતુ હિરણ્યકશિપુની બહેન હોલિકા બળીને ભસ્મિભૂત થઇ ગયેલ. અને રાજ્યના લોકોએ પ્રહલાદનો જયજયકાર કર્યો. હિરણ્યકશિપુ પણ પ્રહલાદની ભક્તિ અને સત્ય સામે ઝૂક્યા.
આ દિવસના પ્રતિકરૂપે આજે પણ આપણે હોળી પ્રગટાવી પ્રહલાદને હૃદયના નમન કરીને યાદ કરીએ છીએ. હોળીના બીજા દિવસે રંગોત્સવ એટલેકે ધૂળેટી ઉજવીએ છીએ. સૌ નાત જાતના ભેદભાવ ભૂલીને એકબીજાને નિર્દોષ ભાવે ગુલાલથી રંગીએ છીએ.વનવગડાના કેસૂડાને ઘરમાં લાવીએ છીએ અને તેને સંગ ભીંજાયને પ્રકૃતિ સ્નાન કરીએ છીએ.ગુલાલ અને કેસૂડાના રંગો પ્રિયજનો અને સ્નેહીજનો પર ભાવ પૂર્વક છાંટીએ છીએ. આ તહેવાર તમામ દુઃખ ભૂલાવી લોકોને એકબીજાની નજીક લાવે છે. જીવનમાં ઉમંગ અને ઉત્સાહ નો સંચાર કરે છે.અને જીવનમાં આનંદના રંગો ભરે છે.
ભારતના વિવિધ રાજ્યોમાં હોળીનો તહેવાર વિવિધ પરંપરાઓ સાથે ઉજવાય છે. પંજાબમાં હોલ્લા મહોલ્લા મહોત્સવ, બંગાળમાં દોલ જાત્રા, હરિયાણામાં ધુલંડી, રાજસ્થાનમાં શાહી હોળી, ઉત્તર પ્રદેશમાં લઠમાર હોળી અને ગુજરાતમાં ધુળેટી.એમાંય ગોકુળ, મથુરા, વૃંદાવન ની હોળી વજ્રભૂમિની હોળી કહેવાય છે જેનું ભારતીય પરંપરામાં અનેરું મહત્વ છે. આ વિવિધ પરંપરાઓ સાથે ઉજવાતી હોળી અધર્મ પર ધર્મના વિજયનો એકમાત્ર સંદેશો આપે છે.
જીવનમાં દરેક પ્રસંગ, પરિસ્થિતિ અને વ્યક્તિ અનોખો રંગ લઇને આવે છે
એમાં રંગાતા પહેલા એને ઓળખી શકાય એ માટે ધર્મના પંથે પ્રયાણ હોવું જરૂરી છે.કારણકે ધર્મના રંગે રંગાયેલો વ્યક્તિ જ અન્યના જીવનમાં આનંદનો સાચો રંગ પુરી શકે છે.
ધર્મો રક્ષતિ રક્ષિત:
- લિ. ડૉ એકતા ઉપેન્દ્રકુમાર ઠાકર
આચાર્યશ્રી બામણગામ કન્યાશાળા,
બામણગામ, તા-આંકલાવ
જિ-આણંદ
Other News : હોળી પર્વ નિમિત્તે નાવલી કન્યા શાળા રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કરવામાં આવી