Charotar Sandesh
આર્ટિકલ

સ્રી એક દિવો છે… જે જલતી રહે છે… અને સંસારને પ્રકાશિત રાખે છે : ડૉ. એકતા ઠાકર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન

આજે આઠમી માર્ચે આપણે સૌ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે સ્ત્રી દિપ વધુ તેજોમય પ્રજ્વલિત રહે એવા પ્રયત્નનો સંકલ્પ કરીએ

આઠમી માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન.. સ્ત્રીઓની સામાજિક સમાનતા, ઉત્કર્ષ, સન્માન, આદર અને પોષણ માટે ઉજવવામાં આવે છે.

આપણે જોઈએ છીએ કે વિશ્વની મહિલા હાલ વિજ્ઞાન, અવકાશ, ન્યાય, શિક્ષણ અને તબીબી અને કલા-સાહિત્ય તથા રમતગમત એમ તમામ ક્ષેત્રે પોતાના અનોખા પ્રદાન માટે પ્રખ્યાત બની રહી છે… અરે પોલિસ અને લશ્કરી ક્ષેત્રે પણ સીમાચિહ્ન કાર્ય કરી તે પુરુષના ખભે ખભા મિલાવી રહી છે.અને એટલે જ આપણે સૌએ એકવીસમી સદીના આધુનિક યુગમાં હવે તો એ સ્વીકારી જ લેવું જોઈએ કે સ્ત્રી- પુરુષ એ સૃષ્ટિ સંચાલન માટેનો એક જૈવ શાસ્ત્રીય તફાવત છે.. ચૈતસિક તફાવત નથી. મનોબળ, આત્મબળ અને સંકલ્પ બળમાં તે પુરુષ કરતાં ચઢિયાતી પણ હોઇ શકે છે. તો ચાલો સમાજના ખુલ્લાં ફલક પર તેની સ્વતંત્રતાને વિશાળ ગગન આપીએ.

અહલ્યા, સીતા, દ્રોપદીના કર્તવ્યો, રાધાનો પ્રેમ અને મીરાંની ભક્તિનો દિપ યુગોથી પ્રજ્વલિત છે. અને વિશાળ વિશ્વને પ્રકાશ આપી રહ્યો છે.તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સરોજીની નાયડુ, મેડમકામા,જ્યોતિબા ફૂલે, કસ્તૂરબા, ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ વગેરે મહિલાઓ રાષ્ટ્રપ્રેમ અને ફરજ થકી વિશ્વને પ્રેરણાની મિશાલ આપતા ગયાં.

કિરણ બેદી, પી. ટી ઉષા, સાનિયા મિર્ઝા, કલ્પના ચાવલા,સુનિતા વિલિયમ્સ આધુનિક સમયમાં પ્રેરણાદાયી મહિલા દિપ છે.

એક સ્ત્રી લાગણીથી લથબથ હૃદય ધરાવે છે એ સાથે જ તેજ દિમાગ પણ ધરાવે છે. પણ આ સંસારના દિવ્ય સંતુલન માટે તે પોતાના હૃદય થકી સ્નેહ યુક્ત વ્યવહાર કરે છે એ સમયે સ્ત્રી ની બુદ્ધિ તો પાનીએ હોય છે એવું સાંભળવા મળે ત્યારે સાલું આવા છીછરા ઉદ્ગાર, વ્યવહાર સામે હસવું આવે અને ઉંડી પીડા પણ અનુભવાય.

કેમ કે જ્યા જ્યાં સ્ત્રી સંચાલન અને વહીવટી કર્તા તરીકે બેઠી છે ત્યાં ત્યાં તે પુરુષ કરતાં પણ ઉત્તમ સાબિત થઇ છે.

એમને તો બે દિકરીઓ હતી અને આ ત્રીજી જન્મી, સારું ચાલો પહેલાં પુરુષ મહેમાનોને જમાડી લો પછી બહેનો જમશે, અરે અહીં કોઇ બહેનો નથી કેમ કોઇ સફાઇ થઇ નથી, આ સ્ટેજ વ્યવસ્થા છે મહિલાઓની બેઠક બીજી હરોળમાં રાખશો.. આવા અસંખ્ય ઉદ્ગારો રોજ બરોજના જીવન વ્યવહારમાં સંભળાય છે ત્યારે મહિલાને થયેલ ભારોભાર પક્ષપાત પડઘાયા કરે છે. વાસ્તવમાં આજના દિવસે પણ આ પડઘા તો પડે જ છે. પણ આપણે સૌ નસીબદાર છીએ કે મહિલા દિનની ઉજવણીમાં વ્યસ્ત છીએ એટલે મહિલા પક્ષપાતના પડઘા આપણે સાંભળી શકતાં નથી.

મહિલા પૂજન અર્ચન અને વંદન એ મહિલા સન્માન કરતાં પણ વધુ યોગ્ય છે. જેનું જીવન પૂજનીય છે એ વિભૂતિ પૂજવા યોગ્ય છે. કોઇ બાળા, મહિલા કે વૃદ્ધાનું હંમેશાં સન્માનીય વ્યવહાર થકી સહજ પૂજન થવું જોઈએ.

આપણે બોલીએ છીએ કે દેવી-દેવતાઓ તો શામાટે દેવતાને જન્મ આપનાર દેવીને પડદા પાછળ રાખવામાં આપણી મહત્તા બતાવીએ છીએ???

આજુબાજુ ડગલેને પગલે વાસ્તવિક જીવનમાં જે સ્ત્રી પ્રત્યે અસમાનતા વહેતી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રી ખુદ વાહક બની રહી છે. અને આવી અસમાનતા માટે જે સ્ત્રી વાહક નથી બનતી એને અસામાજિક કે મૂર્ખનું લેબલ એક સ્ત્રી જ આપી દે છે. ત્યારે આજના દિવસે સ્ત્રીઓ ખૂદ સ્ત્રીઓ માટે સાચું માન, સન્માન, સમજ અને ગૌરવ ઉત્પન્ન થાય તે ખૂબ જરૂરી છે.

પુરુષ કેટલાક કાર્યોમાં સ્વાવલંબી બનીને પણ સ્ત્રીઓને સાચું સન્માન આપી શકે. બાકી સ્ત્રીઓ પાસે વેઠ કરાવી એનો અમૂલ્ય સમય ઝૂંટવી એને અનામત આપવાથી કોઇ ફાયદો નથી.

સંવેદનશીલતા, લાગણીશીલ વ્યવહાર, શૃંગાર, નજાકત, વાકચાતુર્ય અને સુંદર વ્યવસ્થાપન એતો સ્ત્રીઓનાં અમૂલ્ય ઘરેણાં છે. એના વ્યવહાર, દેખાવ અને વ્યવસ્થાપનને હાસ્યાસ્પદ બનાવનારાઓ જો આજે જોર શોરથી મહિલા દિનની ઉજવણી કરે તો એ હકીકતમાં હાસ્યાસ્પદ જ છે.

સામે પક્ષે ગાંધી, આઇન્સ્ટાઇન,લિંકન, કલામ, વિવેકાનંદ, ટાગોર અને મોદી જેવા વિર દિપકો પણ છે જેઓએ મહિલાઓને હૃદયથી સાચા અર્થમાં સન્માન બક્ષ્યું છે. અને સામાજિક ઉત્થાન કર્યુ છે.

છેલ્લે કહેવાનું મન થાય કે આદિ-અનાદિ કાળથી આકાશમાં ચાંદ અને સૂરજ ચમકતાં રહ્યાં છે તેમ ધરતી પર સ્ત્રી અને પુરુષ એક સમાન ચમકતા રહે પ્રકાશ પાથરતાં રહે.

વાત્સલ્ય જેનો ધર્મ છે અને પોષણ આપવું જેનું કર્તવ્ય છે એ વિશ્વની તમામ નારી જાતિને લાખ લાખ વંદન શત્ શત્ નમન.

  • ડૉ એકતા યુ ઠાકર
    આચાર્યશ્રી બામણગામ કન્યાશાળા
    બામણગામ,
    તાલુકો-આંકલાવ, જિલ્લો-આણંદ.

Other Article : પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા ભારતમાં વર્તમાન શિક્ષણમાં પ્રાચીન શિક્ષણ પ્રણાલીના મૂલ્યોલક્ષી શિક્ષણની આવશ્યકતા !!

Related posts

ગણપતિ દાદાની પૂજા સાથે જોડાયેલી કઈ બાબતોનું ધ્યાન રાખવું : જુઓ પૂજા-વિધિ અંગે

Charotar Sandesh

આજે વિશ્વ પર્યાવરણ દિન : પર્યાવરણના આધારસ્તંભ એવા વૃક્ષો સાથે વફાદાર સંબંધનો વાયદો કરીએ…

Charotar Sandesh

ચરિત્રહીન ચંચલ “સેવક”ની દુષ્ટ ચેષ્ટાઓ… પ્રજા જેટલી વહેલી સમજી જાય તે રાષ્ટ્રહિત માટે જરૂરી

Charotar Sandesh