ગણેશચતુર્થીના દિવસે ચન્દ્ર દર્શન કરવું જોઇએ નહીં. ભૂલથી ચન્દ્ર દર્શન થઇ જાય તો જમીન પરથી એક પથ્થરનો ટુકડો ઉપાડી પાછળની બાજુએ ફેંકી દેવો જોઇએ. તેથી ચન્દ્રદોષ નિષ્ઃપ્રભાવી થઇ જાય છે.
ગણેશોત્સવનું સમાપન અને ગણેશ વિસર્જન ૧૯ સપ્ટેમ્બરના રવિવારે થશે
જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, ચતુર્થીના દિવસે શુક્રવારે ચિત્રા-સ્વાતી નક્ષત્ર, બ્રહ્મયોગ, વણિજકરણ, તુલા રાશીની સાથે ૬ ગ્રહો સ્વગ્રહી, મૂલત્રિકોણ અને ઉચ્ચના થાય છે. જેમાં સૂર્ય, શની સ્વગ્રહી, બુધ, શુક્ર મૂલત્રિકોણ, રાહુ-કેતુ ઉચ્ચ અને ગુરુદેવ મિત્ર ક્ષૈત્રી હોવાથી આવનારું વર્ષ વ્યાપાર-ઉદ્યોગ માટે લાભદાયી રહેવાના અણસાર સેવાઇ રહ્યા છે.
છેલ્લા એક માસમાં શ્રાવણ વેળાએ ભોલેનાથની ભક્તિમાં શિવભક્તો લીન હતા, જ્યારે હવે શુક્રવારથી વિઘ્નહર્તા દેવની આરાધનાને લઇને ગણેશ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ચિત્રા-સ્વાતિ નક્ષત્ર અને રવિ યોગમાં ગણેશચતુર્થી ઊજવાશે. જેમાં શ્રીજી પ્રતિમાની સ્થાપના માટે શુક્રવારે બપોરે ૧૨.૧૭થી રાત્રિએ ૧૦ વાગ્યા સુધીનું મુહૂર્ત છે.
ભાદરવા માસમાં શુક્લ પક્ષની ચતુર્થીના શુભ દિવસે પાર્વતી માતાની કૂખે દુંદાળા દેવ ગણપતિનો જન્મ થયો હતો
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દર વર્ષે ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ સુધીના સમયગાળામાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૯ સપ્ટેમ્બરે ગુરુવારે રાત્રિએ ૧૨.૧૯ વાગ્યાથી ૧૦ સપ્ટેમ્બરના શુક્રવારે રાત્રિએ ૯.૫૭ વાગ્યા સુધી ચતુર્થી તિથિ રહેશે. આ વર્ષે ગણેશચતુર્થીના દિવસે ચિત્રા અને સ્વાતી નક્ષત્રની સાથે રવિયોગનો શુભ સંયોગ અને સાથે જ વણિજ કરણ પણ રહે છે. વણિજ-કરણની સ્વામીની સ્વયં લક્ષ્મી માતા છે. આ વર્ષે ચતુર્થી પર સવારે ૧૧.૦૯થી રાત્રિએ ૧૦.૫૯ સુધી ભદ્રાનો ઓછાયો રહે છે.
એવું પણ માનવામાં આવે છે કે ચતુર્થીના દિવસે ભદ્રા હોય તો ધન આપનાર યોગ બને છે. ભદ્રાના ઓછાયાની અસર ગણપતિ સ્થાપના અને પૂજા-આરાધના પર નથી પડતો, એટલે નિઃસંકોચ પૂજા કરી શકાય છે. ગણેશચતુર્થીનું પૂજન, સ્થાપના શુક્રવારે બપોરે ૧૨.૧૭થી રાત્રિએ ૧૦ વાગ્યા સુધી છે. તેમાં પણ બપોરે ૧૨.૧૭થી ૧.૩૨ વાગ્યા સુધી શ્રેષ્ઠ મુહૂર્ત છે.
You May Also Like : વૈશ્વિક પરિવર્તન પ્રારંભ…!