Charotar Sandesh
આર્ટિકલ

આજે શિક્ષક દિન એટલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શ્રેષ્ઠ શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ

શિક્ષક દિન
  • આજનો સૂરજ શિક્ષકને નામ

આકાશમાં સૂરજ અને પૃથ્વી પર શિક્ષક પ્રકાશના ઉદ્દગમ સ્થાનો છે, સૂરજ તો નિર્જીવ છે પણ આ શિક્ષક તો સજીવ છે. એટલે એનો પ્રકાશ ભૌતિક નહીં પણ ચૈતસિક સ્વરૂપ ધરાવે છે

આજે શિક્ષક દિન એટલે ભવ્ય ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શ્રેષ્ઠ શિક્ષક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ.. આપણે સૌ સભ્ય માણસો રાધાકૃષ્ણન અંગે માહિતગાર છીએ અને વધુ થઇ શકીએ તેમ છીએ.. પ્રવર્તમાન સમયમાં શિક્ષક વિશે માહિતગાર થવાની તાતી જરૂર છે.. તો ચાલો શિક્ષક દિને શિક્ષક સાથે… આજનો સૂરજ તેને અર્પણ કરવા.

લોકકલ્યાણની મૂલ્યલક્ષી પ્રવૃત્તિ જેને પ્રાપ્ત થઈ છે એ શિક્ષક. એટલે કે શિક્ષણનો વ્યવસાય કરનાર નહીં પરંતુ શિક્ષણનું સિંચન કરે એ શિક્ષક.

વૈદિક યુગથી આધુનિક યુગ સુધી શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતા તથા કૌશલ્ય યુક્ત નાગરિક થકી ભારતના ભાવિ ઘડતરનો છે. આ ઉદ્દેશ શિક્ષક પોતાની આદર્શ ભૂમિકા થકી ચરિતાર્થ કરતો આવ્યો છે.

પણ આદર્શ એ તો ભૂમિતિના કેટલાક ખ્યાલોની જેમ અવ્યાખ્યાયિત પદ છે. સમાજમાં આપણે સૌ આદર્શ શિક્ષક, પ્રતિભાશાળી શિક્ષક, ચારિત્ર્યવાન શિક્ષક આવા ઉપનામો શિક્ષકને આપીએ છીએ.. પરંતુ જેનામાં મૂલ્યો, આદર્શો, પ્રતિભા અને ચારિત્ર્ય રહેલા છે, અને તેથી તે અન્યમાં પણ તેનું સિંચન કરવાનું કામ સહજ કરી શકે છે..એ જ શિક્ષક પછી તે શિક્ષકમાં આ બધા વિશેષણો નિહિત છે એને અલગથી ઉપનામથી સંબોધવાની કશી જરૂર ખરી..!

શિક્ષકને તેનું સાચું શિક્ષકત્વ તેની વ્યવસાયિક લાયકાત પરથી નહીં પરંતુ તેના વિદ્યાર્થીઓ થકી પ્રાપ્ત થાય છે. શિક્ષક એ ફુલ જેવા વિદ્યાર્થીઓનો માળી નહીં પણ માટી છે જે જાતે ઘસાઈ વિદ્યાર્થીઓને ખીલવે છે.એની માટી જેટલી ફળદ્રુપ એટલું ઊંચું એનું શિક્ષકત્વ. એ પોતાના શિક્ષકત્વ થકી વિદ્યાર્થીરૂપી ફૂલમાં સુવાસ પ્રદાન કરી તેને મઘમઘાવે છે. અને આ ફૂલમાંથી પરિણમતા ફળો જ ઉત્તમ સમાજ રૂપી બાગને સાચી શોભા અને ઉપયોગિતા બક્ષે છે.

શિક્ષક એટલે એવો માણસ જે….

જીવનલક્ષી પ્રવૃત્તિનો સંચાલક છે, તે ખુદ નિયમોનો નિયામક છે-પાલક છે-રક્ષક છે., આદર્શ અને વ્યવહારનો સંગમ છે., તે ખુદ જ્ઞાનનો જનક છે અને પ્રણેતા છે., આતમનિરીક્ષક છે અને ચિંતક છે. ભારતીય સમાજના ઉત્કૃષ્ટ ઘડતર માટે એક ભારતીય શિક્ષકમાં વાત્સલ્ય, કરુણા, માનવતા ઇચ્છનીય છે.,કરુણાવાન માનવતાવાદી શિક્ષક ભારતીય સમાજના તમામ વર્ગના બાળકો માટે તટસ્થતા દાખવી હૂંફ સાથે શિક્ષણ પીરસી શકે છે, આનંદી અને સહૃદયી શિક્ષક જ બાળમાનસને સમજી શકે છે, તથા પ્રતિબદ્ધ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક ગુણવત્તા યુક્ત શિક્ષણની ખેતી નિરંતર કરી શકે છે, કૌશલ્યપૂર્ણ અને નિપુણ શિક્ષક પોતે કરાવેલ શિક્ષણનું સો ટકા સંપૂર્ણ પરિણામ મેળવી લેતો હોય છે. વિશ્વસનીય, પ્રમાણભૂત, નિખાલસ અને પ્રામાણિક શિક્ષક સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી લેતો હોય છે. એક આત્મવિશ્વાસુ તથા મક્કમ શિક્ષક વેરવિખેર બાળકના માનસને તેજ પ્રદાન કરતો હોય છે.

સંવેદનશીલ, સાહસી અને સક્રિય શિક્ષક સમાજની કાયા પલટ કરવામાં કામયાબ નીવડતો હોય છે.કલા, પ્રતિભા પારખુ એક નિષ્ઠાવાન શિક્ષક ઝવેરી બની સમાજમાંથી ઝવેરાત જેવા ઉત્તમ કલાકારો અને મહાન પ્રતિભાઓના મોતીઓની મરજીવાની જેમ શોધખોળ કરે છે.. આમ શિક્ષક તો શિક્ષણની ખેતી કરનારો ખેડૂત છે., જ્ઞાન વહેંચનારો વેપારી છે, અસામાજિક તત્વો સામે લડતો સૈનિક છે, સમાજની પ્રતિભાઓનો લીડર છે, વંચિતોનો વકીલ છે, વ્યક્તિત્વ ઘડતરનો ઈજનેર છે. અને માંદા સમાજને બેઠો કરનાર દાક્તર છે. છતાં પણ આજે ઠેર ઠેર શિક્ષક અપમાનિત થતો જોવા મળે છે.. સંઘર્ષ કરતો જોવા મળે છે. ત્યારે તે વધુ તેજ સાથે પ્રકાશે છે.. એક હોલવાઇ રહેલા દીપકની જેમ… એક શિક્ષકના જીવ તરીકે અંતમાં હું દિલની ભાવના વ્યક્ત કરીશ કે..

“શિક્ષક ગરિમાને ઠેંસ પહોંચાડતા તત્વોને આજના સૂરજ સામે તાકવાની તાકાત નથી…ત્યારે આવા તત્વોને આજે ખુદા હાફિઝ..” જય શિક્ષક.

લિ.
એકતાબેન ઉપેન્દ્રકુમાર ઠાકર
આચાર્યશ્રી, બામણગામ કન્યા પ્રા શાળા. બામણગામ
તા-આંકલાવ, જિ-આણંદ.

Other Article : વિશ્વમાં એવું કોઈ બીજું બખ્તર નથી કે જે પિતાની હાજરી ને અતિક્રમી શકે છે…

Related posts

श्राद्ध कीसे कहते हैं ? पितृओके उद्देश्य

Charotar Sandesh

બે દાયકા પહેલાં અત્યારની જેમ બાળકોને કોઈ ખોટા લાડ નહિ અને છતાંય બાળક ખુશ રહેતો…!

Charotar Sandesh

“દૂનિયા ભલે જંગલ બને, મારાં ભારતનું ખેતર આબાદ રહેવું જોઈએ… ” : ડૉ. એકતા ઠાકર

Charotar Sandesh